Tuesday, July 20, 2010

"જવાબ એક પણ મળશે નહી સવાલ કોઈ પુછયા વગર"



કહી છીછરું ના ચાલ્યા જશો, કદમ એક પણ મુક્યાં વગર,
મોતી એમજ તો મળશે નહી સમંદર ને ચુંથ્યા વગર.

અર્થ તો એકજ નીકળે છે, વાક્યોમાં જ છે તફાવત,
સમજ્યા કરો ઈશારાથી શબ્દો ને ધુંટ્યા વગર.

નીરખી લીધું કેમ પાછુ ફરી જો ચાલ્યાં જ જવાનું હોય,
યાદો અમારી રહેશે નહી, નિંદો તમારી લુટ્યાં વગર.

નજરો માં જોવા મળશે નહી, ભાવ અમારા મનનાં,
જવાબ એક પણ મળશે નહી સવાલ કોઈ પુછયા વગર.

આંસુ નહી સમજતાં એ "ચિત" અફસોસ અવગણના નો છે,
ખાલી થઈ જાય દરિયા ભલે નજરો વહેશે ખૂટ્યાં વગર.

"ચિંતન ટેલર"

"નથી અચરજ! જો અગાસીના એકાંતમાં રોવાઈ જાય"



ધારણાઓ થઈ ધુમાડો ગગનમાં ખોવઈ જાય,
લખી ચુકાયેલા શબ્દો વહેતાં આંસુમાં ધોવાઈ જાય.

નજરો ને એ વિસરવા કાજે માર્ગ વદલી ફર્યા કરવું,
પણ વિકલ્પ શું છે? રાત્રે એ સપનામાં જોવાઈ જાય.

તકવાજોની ભીડમાં મન મુકીને હસ્યા કરવું,
નથી અચરજ! જો અગાસીના એકાંતમાં રોવાઈ જાય.

પરપોટાના સાથની આશાતો ક્યાં રાખે પાણી,
જો શરીર ચાલ્યા કરે આગળ, અને "ચિત" પડછાયો રોકાઈ જાય.

"ચિંતન ટેલર"

"આશાઓના રણમાં કાયમ હૈયું ભટકે છે"



શક્યતાઓ મુલાકાત ની સરકી સરકી જાય,
યાદની સાંજો આંખમાં આંસુ ભરતી-ભરતી જાય.

આશાઓના રણમાં કાયમ હૈયું ભટકે છે,
ઝાંઝવા પાછળ દોડી આ મન તરસી-તરસી જાય.

ભૂલી શકાશે ક્યાંથી તમને? ચાંદો છુપશે ક્યાં?
ચાંદની રાતો મનમાં અંધારુ કરતી-કરતી જાય.

જેમના કાજે તોફાનો દરિયાના ખાળું છું,
હાથ છોડી એ ડૂબતો મૂકીને તરતી-તરતી જાય.

પથ્થરના જગમાં શીશાઓના ભાવ તો કરશે શું? "ચિત",
કાચની ભાવના પર્વત પરથી પડતી-પડતી જાય.

"ચિંતન ટેલર"

"આંસુઓ છે ચંદ્રના"



રાત્રી આખી હસી-હસીને પરોઢ પડે પછતાય છે,
આંસુઓ છે ચંદ્રના જગને ઝાકળ સમજાય છે.

બે નજરોમાં કેદ રહેલું મન વૈભવને શું કરે?
હાર ભલે હોય ફૂલોના મનને સાંકળ સમજાય છે.

આપી દે જો સ્મિત એમનું હિંમત નબળાં હૈયાને,
તીર, ભાલા અને તલવારો પણ તણખલાં દેખાય છે.

વિચારો સંકુચિત જેના, ક્ષીર અને નીર ને જાણે શું?
શત્રુઓ સાથે સંધિ કરે અને મિત્રોથી ગભરાય છે.

મંઝિલ મારી એમની એક છતાં સાથ દેતાં નથી "ચિત",
બદલ્યો એમણે મારગ માત્ર, અહીં જિંદગી બદલાય છે.

"ચિંતન ટેલર"