Friday, July 16, 2010

"ભાવ પુછવો અઘરો પડે"



રાત્રી તમારી મોંઘી પડે અને દિવસ તમારો અઘરો પડે,
પણ આખરે આ ખયાલ અમારો સફળ થવો અઘરો પડે.

ઊંધા થઈ જાય વહાણ તમારા, આવે હર સફરમાં તોફાન,
ઊંડા દરિયામાં તર્યા કરો પણ કિનારો મળવો અઘરો પડે.

ભીડ જામી હોય સ્નેહીઓની પણ ઓળખાણ તમારી જ ના પડે,
નજર ફેરવે તમારાથી સહું એક ઈશારો મળવો અઘરો પડે.

દિવસ તમારો ગ્રહણમાં જાય અને રાત્રી હોય સહું અમાસની,
ઘોર અંધકારમાં ભતક્યા કરો, એક સિતારો મળવો અઘરો પડે.

ખુલે જો પ્રેમના ક્યારેક બજારો કિંમત તમે કાંઈ ચુકવી ન શકો,
શક્યતા ખરીદીની છે જ નહી "ચિત" ભાવ પુછવો અઘરો પડે.

"ચિંતન ટેલર"

"એક અમે જ જીવનમાં ભૂલો કરી છે"



સનમને અમારા આદત પડી છે,
વચન આપીને ફરી જવાની,
એક અમે જ જીવનમાં ભૂલો કરી છે,
વચન પાળવામાં મરી જવાની.

"ચિંતન ટેલર"

"નજરોના આ ખેલમાં હૈયું અંતસુધી પછતાય છે"



મંઝીલ મારી નજરો સામે ને આ કદમો લથડાય છે,
પાણી ભરેલાં વાદળ પણ ક્યારેક પર્વતને અથડાય છે.

આંસુ મારા એમના એક રુંવાડાને પણ ભીંજવી ના શકે,
નસીબ છે એ ફૂલોનું એમના પગ તળે કચડાય છે.

ચંદ્રને પામી લેવા ને ઉંચે ઉંડતું જાય જો પંખી,
ઉંચે ઉડતાં ઉડતાં ક્યારેક ધરતી પર પછડાય છે.

દુશ્મનો સાંભળશે ક્યાંથી સ્નેહીઓને પણ ફુરસદ નથી,
સાદ મારો ચારે બાજુ દિવાલોને ભટકાય છે.

ખેલમાં કાઢ્યું જીવન આખું છતાં આવડ્યું નહીં ખેલતાં,
"ચિત" નજરોના આ ખેલમાં હૈયું અંતસુધી પછતાય છે.

"ચિંતન ટેલર"

"પ્રિત કરવાની ભૂલ છે"



કોઈ નીરખે નઝારાને, તો આંખોમાં કોઈની ધૂળ છે,
મેળવે કોઈ કંટકોની શૈયા, તો બાંહોમાં કોઈના ફૂલ છે,
ફરિયાદ નથી આ તો કોઈ અસમાન વહેચણીઓની,
એક સુંદર બે-વફા સાથે "ચિત" પ્રિત કરવાની ભૂલ છે.

"ચિંતન ટેલર"