Wednesday, July 7, 2010

"ભૂલી શકાય કેમ....."



ઊંચા ઉછળતા મોજાને ભુલી જવાય પણ,
ડુબતાં-ડુબતાં મળી ગયેલ કિનારાને.....
ભૂલી શકાય કેમ.....

વઘતાં-ઘટતાં ચાંદાને ભૂલી જવાય પણ,
અટકી-અટકી ને ખરી ગયેલ સિતારા ને.....
ભૂલી શકાય કેમ.....

નાની મોટી ઈમારતોને ભૂલી જવાય પણ,
વાદળોને ચુમી રહેલ મિનારાને.....
ભૂલી શકાય કેમ.....

આપની અવગણના ને ભૂલી જવાય પણ "ચિત",
આંખોની મસ્તીથી જોયેલા ઈશારાને.....
ભૂલી શકાય કેમ.....

"ચિંતન ટેલર"

"અંધકાર ક્યાંય ટળતાં નથી"



ક્ષીતીજ તો કલ્પના છે, ધરા ગગનતો ક્યાંય મળતાં નથી,
મંઝીલ સામે છે નહી, રસ્તા પણ ક્યાંય વળતાં નથી.

વહી-વહીને અશ્રુઓ, નદિમાં ભળી જાય રે,
નદિ ભળે છે દરિયામાં, પણ દરિયા ક્યાંય ભળતાં નથી.

આવે છે કહેવા એ મને, વિચારોને બાળી દો,
બળી જાય જો હોય કાષ્ઠવન, સરોવર ક્યાંય બળતા નથી.

આશા શું રાખવી પ્રકાશની, શોભાના સિતારાઓ પાસે "ચિત",
ક્ષણ માટે વીજળી ચમકી જાય, અંધકાર ક્યાંય ટળતાં નથી.

"ચિંતન ટેલર"

"ખુદને બાળી હટાવીશું ક્યારેક અમાસનો અંધકાર તમારો"



પહોચી ચૂક્યો છે મંઝીલે, કાંઈક મેળવવાનો વિચાર અમારો,
હ્યદયને અમારા મળી ગયો જ્યારથી સ્વિકાર તમારો,

છુટો પડું છું જ્યારે-જ્યારે તમને મળી-મળી,
અથડાયા કરે છે આંખોને અમારી બસ એક આકાર તમારો.

આપના એક-એક શબ્દમાં છુપાયેલું છે સંગીત કોઈ,
પડી એકલો વિચારું છું તમને તો સંભળાય છે રણકાર તમારો.

મન કરે છે નજરોને તમારી, અમારી નજરોંથી ચુમી લઈએ,
સમય ફાળવ્યા કરો અમારા માટે પણ, માની લઈશું ઉપકાર તમારો.

ચાંદની બનીને ફેલાઈ ગયા છો, તમે જો અમારા જીવનમાં,
ખુદને બાળી "ચિત" હટાવીશું, ક્યારેક અમાસનો અંધકાર તમારો.

"ચિંતન ટેલર"

"ક્ષણે-ક્ષણે હવે મરવાની તૈયારી કરી લેજો"



થીજેલા મીણ તમે પીગળવાની તૈયારી કરી લેજો,
હસી લીધું જો હોય તો રડવાની તૈયારી કરી લેજો.

અમારી લાગણીના સાગરમાં લગાવી છે ડૂબકીઓ ઘણી,
હવે ખુદના આંસુમાં તરવાની તૈયારી કરી લેજો.

ઊભા રહી શકતાં હો ભલે વંટોળની સામે,
બસ એક ફુંકથી ઊડવાની તૈયારી કરી લેજો.

ખુશ થઈ રહ્યાં છો તમે વળી આંખો અમારી આંજી,
ખુલ્લી આંખોએ ગબડવાની તૈયારી કરી લેજો.

અવાજ તમારો કોઈ સાંભળે નહી એમ પણ બને,
પાડીને બૂમો, પડઘો સાંભળવાની તૈયારી કરી લેજો.

ક્ષણ અમુલ્ય ગુમાવી ચુક્યાં છો "ચિત" હાજરીની તમે,
હવે પડછાયો અમારો પકડવાની તૈયારી કરી લેજો.

માંગતા રહી જશો છતાં મળશે નહીં મરણ તમને,
ક્ષણે-ક્ષણે હવે મરવાની તૈયારી કરી લેજો.

"ચિંતન ટેલર"

"કિનારો સામે જ રહી ગયો ને હલેસા અમારા થોડા પડ્યાં"



તમને ભૂલી જવા જે થયા તે પ્રયત્નઓ અમારા થોડા પડ્યાં,
ક્યારેક ખોબા ખૂટ્યાં નહી તો સમંદર ક્યારેક થોડા પડ્યાં.

દુઃખોમાં પહોંચી જનારા પ્રથમ પૂછો કેમ ખુશીમાં મોડા પડે છે,
હ્યદયને અમારા આમંત્રીત કરે તે શબ્દો તમારા થોડા પડ્યાં.

ગગનના ઘોર અંધારા એ ધરાને બાંહોમાં છુપાવી દીધી છે,
સુરજ વિનાના આકાશ માટે લાખો સિતારા થોડા પડ્યાં.

તમારી મહેફીલમાં તમારી સામે અમે મન અમારું નહી ખોલીએ,
આંસુ અમારા ખૂટ્યા નથી પણ, સ્મરણો તમારા થોડા પડ્યાં.

છીદ્રોવાળી નૌકા અમારી હજુ પણ તમારી પ્રતિક્ષા કરે છે,
કિનારો સામે જ રહી ગયો ને "ચિત" હલેસા અમારા થોડા પડ્યાં.

"ચિંતન ટેલર"