Thursday, July 8, 2010

"યાદ આવે હજુ પણ જ્યારે"



યાદ આવે હજુ પણ જ્યારે,
આપની આંખો ના ઈશારા,
મનનો દરિયો તોફાને ચઢે છે,
તરવા લાગે છે ખુદ કિનારા.

"ચિંતન ટેલર"

"આજે ફરીથી એમનો સામનો થઈ ગયો"



પવન આંધી બનીને આમનો થઈ ગયો,
આજે ફરીથી એમનો સામનો થઈ ગયો.

રહ્યો નથી અમારા માટે એમની નજરનો નશો,
ગયો હું મેખાના તરફને જામનો થેઈ ગયો.

એક આપની નજરનો ઈશારો જે પર હતો અમારો ઈજારો,
તે ઈશારો મારો મટીને આખા ગામનો થઈ ગયો.

મળ્યા તમે જ્યારે-જ્યારે ઉદાસી ભરેલી કોઈ સંધ્યા એ "ચિત",
નાકામ નીવડેલો દિવસ અમારો કામનો થઈ ગયો.

"ચિંતન ટેલર"

"ભાવ પુછી સહુ આગળ ચાલે ખરીદનારું ક્યાં કોઈ"



રસ્તે-રસ્તે પગલાં ભટકે, વાટ જોનારું ક્યાં કોઈ?
મોજાં ઊછળે નજરોમાં પણ, તરસનારું ક્યાં કોઈ.

ઉજ્જડ વન પાણી ને તરસે, દરિયા ઉપર વાદળ વરસે,
વર્ષોથી મન પ્યાસું-પ્યાસું, વરસનારું ક્યાં કોઈ.

ડુંગરાઓની ઓળખ શેને? ટેકરીઓથી સંતોષ જેને,
લાગણીઓના ડુંગરા છે જ્યાં ત્યાં ચઢનારું ક્યાં કોઈ.

સોનાની કિંમત સહુ જાણે, સંબધોને સસ્તા માને,
સંબધોની તુટતી તિરાડો, સાંધનારુ ક્યાં કોઈ.

ઈચ્છાઓના ભરાય મેળાં, સપનાઓના છે અહીં બજાર,
"ચિત" ભાવ પુછી સહુ આગળ ચાલે ખરીદનારું ક્યાં કોઈ.

"ચિંતન ટેલર"

"અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો"



કદમો દૂર જાય આ મારા તે પહેલા બોલાવી લો,
અધુરી બૂમ પાડીને મને પાછો વાળી દો.

ક્યરેક મન થાય કે દરિયામાં છુપાઈ જઉં,
રૂપ ત્યારે ધરીને મોજાનું આવો ને પલાળી દો.

આવું નહી જો નીકટ તમારી, વ્રુક્ષ માફક સ્થિર થઈ,
બનીને વીજળી મારી પર પડો, પડી ને બાળી દો.

ડરી જઈને ક્યાંક હું રમવાનું છોડું પહેલા,
હ્યદય ચોરી હરાવો ક્યાં "ચિત" હ્યદય આપી જીતાડી દો.

"ચિંતન ટેલર"

"ભુલાતા નથી મુકામો મિલનનાં"



મળી જશે એ ક્યાંથી અમને, આ મન જો મળવા માંગે તો,
રાત્રી નો શત્રુ થઈ સૂરજ, ચાંદની માં ફરવા માંગે તો.

સિતારાઓના સહારે-સહારે પગલાં પડે છે અમારાં ગગન માં,
સુંદર તમારા ચહેરાની વાતો ચંદ્ર સાથે કરવા માંગે તો.

તમારા મધુર ઈશારા નયનનાં, ભુલાતા નથી મુકામો મિલનનાં,
છુપાઈ-છુપાઈ ને મળતાં રહીને આ જગથી ડરવા માંગે તો.

પીંજરમાં રહી શું કરવી પાંખો, અંધકારમાં શું કરવી આંખો?
બુજાઈ ગયેલા પ્રેમના દિવડાં, ફરીથી બળવા માંગે તો.

વાત મનની મનમાં અટકી "ચિત" નજરો અમારીએ નજરમાં ભટકી,
છલકાયા વીના નહી રહેશે આંખો સમંદર ને ભરવા માંગે તો.

"ચિંતન ટેલર"

Wednesday, July 7, 2010

"ભૂલી શકાય કેમ....."



ઊંચા ઉછળતા મોજાને ભુલી જવાય પણ,
ડુબતાં-ડુબતાં મળી ગયેલ કિનારાને.....
ભૂલી શકાય કેમ.....

વઘતાં-ઘટતાં ચાંદાને ભૂલી જવાય પણ,
અટકી-અટકી ને ખરી ગયેલ સિતારા ને.....
ભૂલી શકાય કેમ.....

નાની મોટી ઈમારતોને ભૂલી જવાય પણ,
વાદળોને ચુમી રહેલ મિનારાને.....
ભૂલી શકાય કેમ.....

આપની અવગણના ને ભૂલી જવાય પણ "ચિત",
આંખોની મસ્તીથી જોયેલા ઈશારાને.....
ભૂલી શકાય કેમ.....

"ચિંતન ટેલર"

"અંધકાર ક્યાંય ટળતાં નથી"



ક્ષીતીજ તો કલ્પના છે, ધરા ગગનતો ક્યાંય મળતાં નથી,
મંઝીલ સામે છે નહી, રસ્તા પણ ક્યાંય વળતાં નથી.

વહી-વહીને અશ્રુઓ, નદિમાં ભળી જાય રે,
નદિ ભળે છે દરિયામાં, પણ દરિયા ક્યાંય ભળતાં નથી.

આવે છે કહેવા એ મને, વિચારોને બાળી દો,
બળી જાય જો હોય કાષ્ઠવન, સરોવર ક્યાંય બળતા નથી.

આશા શું રાખવી પ્રકાશની, શોભાના સિતારાઓ પાસે "ચિત",
ક્ષણ માટે વીજળી ચમકી જાય, અંધકાર ક્યાંય ટળતાં નથી.

"ચિંતન ટેલર"

"ખુદને બાળી હટાવીશું ક્યારેક અમાસનો અંધકાર તમારો"



પહોચી ચૂક્યો છે મંઝીલે, કાંઈક મેળવવાનો વિચાર અમારો,
હ્યદયને અમારા મળી ગયો જ્યારથી સ્વિકાર તમારો,

છુટો પડું છું જ્યારે-જ્યારે તમને મળી-મળી,
અથડાયા કરે છે આંખોને અમારી બસ એક આકાર તમારો.

આપના એક-એક શબ્દમાં છુપાયેલું છે સંગીત કોઈ,
પડી એકલો વિચારું છું તમને તો સંભળાય છે રણકાર તમારો.

મન કરે છે નજરોને તમારી, અમારી નજરોંથી ચુમી લઈએ,
સમય ફાળવ્યા કરો અમારા માટે પણ, માની લઈશું ઉપકાર તમારો.

ચાંદની બનીને ફેલાઈ ગયા છો, તમે જો અમારા જીવનમાં,
ખુદને બાળી "ચિત" હટાવીશું, ક્યારેક અમાસનો અંધકાર તમારો.

"ચિંતન ટેલર"

"ક્ષણે-ક્ષણે હવે મરવાની તૈયારી કરી લેજો"



થીજેલા મીણ તમે પીગળવાની તૈયારી કરી લેજો,
હસી લીધું જો હોય તો રડવાની તૈયારી કરી લેજો.

અમારી લાગણીના સાગરમાં લગાવી છે ડૂબકીઓ ઘણી,
હવે ખુદના આંસુમાં તરવાની તૈયારી કરી લેજો.

ઊભા રહી શકતાં હો ભલે વંટોળની સામે,
બસ એક ફુંકથી ઊડવાની તૈયારી કરી લેજો.

ખુશ થઈ રહ્યાં છો તમે વળી આંખો અમારી આંજી,
ખુલ્લી આંખોએ ગબડવાની તૈયારી કરી લેજો.

અવાજ તમારો કોઈ સાંભળે નહી એમ પણ બને,
પાડીને બૂમો, પડઘો સાંભળવાની તૈયારી કરી લેજો.

ક્ષણ અમુલ્ય ગુમાવી ચુક્યાં છો "ચિત" હાજરીની તમે,
હવે પડછાયો અમારો પકડવાની તૈયારી કરી લેજો.

માંગતા રહી જશો છતાં મળશે નહીં મરણ તમને,
ક્ષણે-ક્ષણે હવે મરવાની તૈયારી કરી લેજો.

"ચિંતન ટેલર"

"કિનારો સામે જ રહી ગયો ને હલેસા અમારા થોડા પડ્યાં"



તમને ભૂલી જવા જે થયા તે પ્રયત્નઓ અમારા થોડા પડ્યાં,
ક્યારેક ખોબા ખૂટ્યાં નહી તો સમંદર ક્યારેક થોડા પડ્યાં.

દુઃખોમાં પહોંચી જનારા પ્રથમ પૂછો કેમ ખુશીમાં મોડા પડે છે,
હ્યદયને અમારા આમંત્રીત કરે તે શબ્દો તમારા થોડા પડ્યાં.

ગગનના ઘોર અંધારા એ ધરાને બાંહોમાં છુપાવી દીધી છે,
સુરજ વિનાના આકાશ માટે લાખો સિતારા થોડા પડ્યાં.

તમારી મહેફીલમાં તમારી સામે અમે મન અમારું નહી ખોલીએ,
આંસુ અમારા ખૂટ્યા નથી પણ, સ્મરણો તમારા થોડા પડ્યાં.

છીદ્રોવાળી નૌકા અમારી હજુ પણ તમારી પ્રતિક્ષા કરે છે,
કિનારો સામે જ રહી ગયો ને "ચિત" હલેસા અમારા થોડા પડ્યાં.

"ચિંતન ટેલર"